૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ભુજ ની લાલન કોલેજ ખાતે ઉજવાયો

 લાલન થી લાલ કિલ્લા સુધી ઉજવાતા સ્વતંત્રતા પર્વમાં ઐતિહાસિક ભૂમિ કચ્છમાં ત્રિરંગો ફરકાવવાનું મને સદભાગ્ય મળ્યું છે તેનું ગૌરવ છે : શિક્ષણમંત્રી



ભુજ તાલુકા વિકાસ માટે રૂ. ૨૫ લાખની 
ગ્રાન્ટ મંત્રીશ્રીના હસ્તે કલેકટરશ્રીને અર્પણ

માધાપર અને ઢોરી આરોગ્ય કેન્દ્ર માટે બે એમ્બ્યુલન્સ લોકાર્પણ કરાઈ


વિશેષ કામગીરી માટે મંત્રીશ્રીના હસ્તે સન્માન પત્ર અને સર્ટિફિકેટ એનાયત કરાયા




ભુજ, રવિવારઃ

સંકલ્પથી સિદ્ધિ સુધી ભારતની વિકાસ યાત્રાના આ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કચ્છ જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ આર.આર.લાલન કોલેજ ખાતે ઉજવાયો હતો. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આન-બાન-શાનથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ને સલામી અર્પી હતી. શિક્ષણ મંત્રીશ્રીએ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાથે પરેડ કમાન્ડરશ્રી એસ.એમ.ચૌહાણની આગેવાની હેઠળ વિવિધ નવ પ્લાટુનનું નિરીક્ષણ કરી સલામી ઝીલી ને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.


શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના ચરણોમાં વંદન કરતા મહારાવ પ્રાગમલજી ત્રીજાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોરોના કાળમાં લોકોએ જે સ્વજનોને ગુમાવ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શિક્ષણ મંત્રીશ્રીએ વિશ્વ અને દેશમાંથી કોરોના ચાલ્યો જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. વરસાદ આવે અને કોરોના જાય એવી સમસ્ત દેવતાઓને પ્રાર્થના કરતા શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે લાલન થી લાલ કિલ્લા સુધી ઉજવાતા સ્વતંત્રતા પર્વમાં ઐતિહાસિક ભૂમિ કચ્છમાં ત્રિરંગો ફરકાવવાનું મને સદભાગ્ય મળ્યું છે તેનું ગૌરવ છે. રાજ્ય અને વિશેષ તો કચ્છમાં મેઘરાજાની મહેર થાય અને મહામારી કોરોનાની વિદાય થાય એવી અરજ કરતાં શિક્ષણમંત્રીશ્રીએ સૌના સંયુક્ત પ્રયત્નોથી ભારતને વિશ્વ ગુરુ બનાવવાની હાકલ કરી હતી પોતાના મનનીય પ્રવચનમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગરીબ અને ગામની જમીનનો વિવાદ નહીં પણ વિકાસ થવો જોઇએ ૧૩૫ કરોડ જનતાનું પેટ ભરતા ખેડૂત પુત્ર માટે આ એક રાહતકારી બાબત છે.

આજથી આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ થાય છે. આ પ્રસંગે આઝાદીના વીર શહીદોને યાદ કરતા શહીદ ભગતસિંહ, સરદારસિંહ રાણા, મેડમ કામા અને શ્યામજી કૃષ્ણવર્મા જેવા અનેક વીરોએ આઝાદી માટે શહીદી વ્હાલી કરી છે. ત્યારે સરદાર પટેલ જેવા વીર પુરુષે ૫૬૨ રજવાડાને એક કરીને એક રાષ્ટ્રનો નારો આપ્યો છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક રાષ્ટ્ર અને શ્રેષ્ઠ રાષ્ટ્રની વાત કરીને વિકાસયાત્રાનો આરંભ કર્યાનો મને ગૌરવ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યના ગ્રામ્ય અને શહેરના ૯૦ ટકા નાગરિકોએ રાજ્ય સરકારને સમર્થન આપીને સરકારના સમતોલ વિકાસને સાર્થક કરવામાં સાથ આપ્યો છે એનો આ તકે તેમણે આભાર માન્યો હતો. 


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના સેવાયજ્ઞમાં ૧૬૪૮૫૬ નાગરિકોને રૂ.૧૩ હજાર કરોડ વિકાસના કાર્યો આપ્યા છે તેનો આજે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. પાંચ વરસના સેવાયજ્ઞ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના પાંચ હજાર ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવાના કિસાન સૂર્યોદય યોજના હેઠળ જગતના તાતની ચિંતા કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.


 તાજેતરમાં તાઉતે વાવાઝોડા સમય રાજ્ય સરકારે મંત્રીશ્રીઓને સંબંધિત અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા હતા તેમજ માછીમારો, અગરિયાઓ અને બોટ માલિકોને રૂપિયા ૫૦૦ કરોડની સહાય પણ સરકારે કરી છે. 
કોરોનામાં શાળા બંધ હતી પણ શિક્ષણ ચાલુ હતું. સમગ્ર શિક્ષણ કર્મીઓને નવતર પદ્ધતિથી શિક્ષણયજ્ઞ ચાલુ રાખવા માટે મંત્રીશ્રીએ સૌને બિરદાવ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં વર્ચ્યુઅલ શિક્ષણમાં શિક્ષક અને બાળકો તૈયાર થયા અને નેટ કનેક્ટિવિટી નહોતી ત્યાં શિક્ષકો જાતે પહોંચી ભણાવતા હતા અને વિદ્યાર્થીઓ માટે ૧૨ હજાર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ક્લાસ રાજ્ય સરકારે આપ્યા છે. મધ્યમ વર્ગના અને ગરીબ વિદ્યાર્થીઓ પાસે રૂ.૧ હજાર લઈને નમો-ઇ ટેબલેટ આપીને સરકારે શિક્ષણ ગુણવત્તાને ઉત્તમ કરી છે. જેના પગલે હવે ખાનગી સ્કૂલના બાળકો પણ સરકારી સ્કૂલમાં ભણવા માટે ભલામણ કરે છે. કોરોના પછી પરપ્રાંતિય શ્રમિકો માટે ૭૦૦ શ્રમિક ટ્રેનની વ્યવસ્થા સુપેરે પૂરી પાડવામાં આવી હતી. જે દર્શાવે છે કે રોજગારી આપવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. 
તાજેતરમાં જ રૂ.૧૪૦ કરોડની સ્વસહાય જૂથ મંડળની એક લાખ બહેનોને કરેલી સહાય, ગંગાસ્વરૂપ બહેનો માટે ઉંમર બાધ સિવાયની સહાય આવકારદાયક પગલું છે. કોરોના કાળમાં કોર કમિટી ગ્રુપએ નિયમિત, સમયોચિત,  સમયસર અને લોકોપયોગી નિર્ણયો કરી કોરોનાને નાથવામાં સિદ્ધિ મેળવી છે છતાં પણ કોરોના હજી ગયો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ સર્વે લોકોએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવા તેમજ નિયત કરેલા નીતિ-નિયમોને પાળવા માટે અપીલ કરું છું
એમ શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું.
કોરોનાસમયમાં અનાથ બનેલા બાળકોના વાલી બનીને સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ વિવિધ વિભાગની વિવિધ યોજનાઓ બાળકોને સન્માન ભર્યું જીવન આપશે. વર્ષ ૨૦૨૨ સુધી રાજ્યમાં નલસે જલ સિદ્ધ કરવાનો રાજ્ય સરકારનું લક્ષ્ય છે. 
કચ્છીઓનો દિલથી આભાર માનતા શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા ને સાર્થક કરતાં પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીમાં કચ્છે આગવી ઓળખ ઉભી કરી છે. સમુદ્રમાં વહી જતા વધારાના એક મિલીયન પાણીને નર્મદા યોજના હેઠળ કચ્છમાં પાણી પુરી પાડવાના પ્રોજેકટ, રિન્યુએબલ એનર્જી પાર્ક, વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા, માંડવી બીચ તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્ર કચ્છનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે.
સરકારની પ્રદૂષણને ઘટાડવા માટેની સ્ક્રેપ વહીકલ પોલીસીનો ફાયદો કચ્છમાં વિશેષ તો કંડલા બંદરે વધુ ઉપયોગી સાબિત થશે. દુનિયા આખીના વાહનો કંડલા બંદરે આવશે તેમજ અહીં રોજગારીની તકો વધશે એમ પણ આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું. 
શિક્ષણમંત્રીશ્રીએ આ તકે જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં કોરોના તેમજ અને કાર્યોમાં કરેલી કામગીરી માટે ૨૯ વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા તેમજ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત ચાર હોસ્પિટલોને સર્ટિફિકેટ વિતરણ કર્યા હતા. જિલ્લાની વિવેકાધીન ગ્રાન્ટ ૨૦૧૯માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર માટે એમ્બ્યુલન્સ તેમજ ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય દ્વારા સામાજિક વિકાસ ગ્રાન્ટમાંથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઢોરી માટે એમ્બયુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 
કચ્છ જિલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા કોવીડ-૧૯ મહામારીમાં આરોગ્ય વિષયક સુવિધાઓ માટે જિલ્લા શિક્ષકસંઘના હોદ્દેદારોએ શિક્ષણમંત્રીને રૂ.૧.૪૪ કરોડ નો ચેક અર્પણ કર્યો હતો તેમજ શિક્ષણમંત્રીશ્રીએ ભુજ તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા ૨૫ લાખનો ચેક કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે. અને જિલ્લા આયોજન અધિકારીશ્રી ચાવડાને અર્પણ કર્યો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કોલેજ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.







Post a Comment

0 Comments